www.facebook.com/Pygsurat.alpeshGpandav

Friday, 28 June 2024

ક્ષત્રિય વારસો



રાજપુતો (ક્ષત્રીય)

       જ્યારે વિધાતા ક્ષત્રિય વીરનું શરીર બનાવે છે ત્યારે ઈન્દ્ર પાસેથી પ્રભુતા, અગ્નિ પાસેથી તેજ અને પ્રતાપ, યમરાજ પાસેથી ક્રોધ, કુબેર પાસેથી ધન, રામકૃષ્ણાદિક અવતારો પાસેથી પરાક્રમના અંશો લઈને રાજપૂતના શરીરમાં મેળવે છે. રાજપૂતોમાં પણ જે રાજા હોય તેમાં બીજા કેટલાક દેવોના અંશો મૂકે છે. દૈવી અંશવાળા દેવાંશી રાજાની સ્તુતિ અને પૂજા કરવામાં આવે છે.

   રાજપૂતોએ પોતાનું વર્ચસ્વ જમાવી ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાની પ્રણાલિકાઓ પાડી તેનું સંરક્ષણ કર્યું અને તેને વિકસાવી.

   રાજપૂતોના નામે અનેક પેટા જાતિઓનો ઈતિહાસ બહુ રસમય છે. પરદેશથી આવીને ભારતવર્ષમાં વસેલી જાતિઓ તથા દેશી જાતિઓ સાથેનું સૌથી વધુ મિશ્રણ રાજપૂતોમાં થયું છે. ઘણા ખરા રાજપૂતો પોતાને સૂર્યવંશ અને ચંદ્રવંશ સાથે જોડીને રામ કે કૃષ્ણના વંસજ હોવાનો દાવો કરે છે. જેમ કે મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથનું સંચાલન કરનાર પરમ યોગેશ્વર શ્રીકૃષ્ણ યાદવ વંશના હતાં અને વર્તમાન રાજપૂતોમાં યાદવવંશીય કુળો અદ્યાપિ વિદ્યમાન છે. એવી જ રીતે મર્યાદા પુરૂષોત્તમ રામચંદ્રજી સૂર્યવંશી ક્ષત્રિય હતા. એમના વંશમાંથી વલભીકુળની ઉત્પત્તિ થઈ. મેવાડના સીસોદીયા રાણાઓ પણ સૂર્યવંશી અને વલભીકુળના છે અને ભાવનગરના ગોહિલો વલભીકુળની એક શાખાના સૂર્યવંશી કુળના હોવાનું મનાય છે.

   સંગ્રામો કરી કરીને રાજપૂતોની સંખ્યામાં ઘટાડો થયો. વળી ક્ષત્રિયોએ સમયના વહેણમાં વૈદિક ધર્મ તજીને બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતો એટલે તે હિન્દુ મટી બૌદ્ધધર્મી થઈ ગયા. આ સાથે તેમના વેદ, ગોત્ર, પ્રવર,આદિ આર્યધર્મની દ્યોતક સંજ્ઞાનો લોપ થયો. જ્યારે બૌદ્ધધર્મનો ઉચ્છેદ થયો અને તેઓએ પુનઃ આર્યધર્મ સ્વીકાર્યો ત્યારે જ્યાં જ્યાં લુપ્ત થયેલાં ગોત્રો ન મળ્યાં ત્યાં ત્યાં તેના ગુરૂનાં ગોત્રો સ્વીકારી લીધાં. આ કારણે તેઓ ક્ષત્રિય નહોતા એવું કહેવું ઉચિત નથી.

   પરદેશી ઈતિહાસકારોએ પરદેશથી આવેલા શકો અને હુણોને ક્ષત્રિય બતાવ્યા એનું બીજું કારણ એ હોઈ શકે કે શકો અને હુણોએ ભારતવર્ષના ક્ષત્રિયોના રીતરિવાજો અપનાવી લીધા હતા. જેને લીધે તેઓનો રાજપૂત જાતિમાં સમાવેશ કર્યો જણાય છે. જેમ કે આર્ય રાજપૂતોના કમળપૂજા, અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ, સ્વયંવર લગ્નપ્રથા, સતી થવાની પ્રથા, ગાયો અને દ્રવ્યનું દાન આપવાના સંસ્કાર, ભૂમિદાનો,તામ્રશાસનો વગેરે સંસ્કારોમાંથી પોતાને અનુકુળ આવ્યા એટલા સંસ્કારો અને રીતરીવાજો શકો તથા હુણો આદિક પરદશી જાતિઓએ સ્વીકારી લીધા અને પોતે ક્ષત્રિય છે તેવી ઘોષણા કરી.

   વળી બહુધા રાજસત્તા ધરાવનારા રાજપૂતો રાજવી કહેવાયા એમનું અનુકરણ કરીને અન્ય પ્રાંતોમાં રાજસત્તા પર આવનારી બીજી જાતિઓ પણ પોતાને રાજપૂત કહેવાડવામાં ગૌરવ માનતી.

  સૂર્યવંશ અને ચંદ્રવંશની વંશાવળી તપાસતાં જણાય છે કે ક્ષત્રિયો વૈદિકકાળથી ભારતવર્ષમાં અસ્તિત્વ ધરાવે છે. વળી ગોત્ર-પ્રવર વગેરે તપાસતાં પણ જણાય છે કે ક્ષત્રિયો ભારત વર્ષના જ વતની છે. તેમની ઉત્પત્તિ ખુદ ભગવાન બ્રહ્માએ પોતાના બાહુમાંથી કરેલી છે. ઉપરોક્ત કેટલીક વિગતો તપાસતાં ફલિત થાય છે કે રાજપૂતો વૈદિક ઋષિઓનાં સંતાનો છે કે જે ઋષિઓએ વેદોની ઋચાઓ રચી હતી.

  રાજપૂતોએ ધર્મ, દેશ અને પ્રજાના રક્ષણાર્થે પોતાનું અસ્તિત્વ મીટાવી દીધું છે. વિક્રમની આઠમી સદીથી અઢારમી સદી સુધી એટલે કે લગભગ એક હજાર વર્ષ પર્યંત આ રાજપૂત જાતિએ ધર્મની દેશની,સભ્યતાની અને સંસ્કૃતિની સર્વસ્વના ભોગે રક્ષા કરી નિર્બળ, નિઃસહાય અને નિરાધારોની મહામૂલાં બલિદાનો આપી સહાય કરી. આજે એ પ્રસંગો વાંચતા પણ હૃદય કંપી જાય એવા જૌહર અને કેસરિયાંના અભૂતપુર્વ ઈતિહાસ સર્જાયા હતા. વીરતા, શૌર્યતા, વચનપાલન, ટેક, દાન અને દિલેરીની પ્રણાલિકાઓ પાડી. વિદેશી અને વિધર્મી આક્રમણો સામે પહાડ જેવી એક દિવાલ બનીને દેશની રક્ષા કરી.

   રાજપૂતોમાં ક્ષત્રિયોના ઉચ્ચ સંસ્કારો હતા. તેમનામાં વીર ક્ષત્રિય પૂર્વજોનું શુદ્ધ લોહી વહેતું હતું. જેથી ક્ષત્રિઓએ વિશ્વના ઇતિહાસમાં અજોડ એવી વીરતા અને આત્મભોગની વિરલ તવારીખ સર્જી છે. એટલે કે આ સમયને ‘રાજપુતકાળ’ તરીકે ઓળખવો યોગ્ય જ છે.

   રાજપૂતકાળમાં રાજપૂતો પર અણધારેલી ઘણી આપત્તિઓ આવી પડી હતી. ઉત્તરમાંથી મુસ્લિમો તેમની નવીન સંસ્કૃતિ, નવા વિચારો, નવો ધર્મ અને નવી પ્રણાલિકા લઈને તલવાર સાથે ઉતર્યા. તેઓની નીતિ એક જ હતી કે જે તેમનો ધર્મ, તેમની પ્રણાલિકા, તેમની સંસ્કૃતિ અને તેમની સભ્યતા સ્વીકારે તે જ જીવી શકે. નહિતર મૃત્યુને ભેટવું,

  રાજપૂતો પ્રજાના રક્ષણાર્થે, ધર્મના રક્ષણાર્થે અને દેશના રક્ષણાર્થે હાથમાં ખુલ્લા હથિયાર લઈને યવનો સામે થયાં. તેમનાથી બન્યું ત્યાં સુધી કેસરિયાં કરીને પણ લીલુડાં માથાં કપાવીને, તેમની સ્ત્રીઓને જોહરવ્રત કરાવી અગ્નિમાં હોમી દઈને તેમના નંદનવન જેવા દેશને વેરાન કરાવીને અને અઢળક સંપત્તિથી સમૃદ્ધ એવા ધનકોષને લૂંટાવીને પણ ક્ષત્રિયોએ પોતાનો ધર્મ બજાવ્યો છે.

  ઈર્ષ્યા, વેર, કુસંપ અને કલેશના અગ્નિમાં તેમણે પોતાની શક્તિ, સંપત્તિ અને શાંતિને હોમી દીધી. સમય અને કાળના બળ આગળ પરંપરાની પક્કડ ઢીલી પડી. ઉચ્ચ પ્રણાલિકાનાં બંધનો પણ શિથિલ થયાં. તેમ છતાં હજુએ આ વીરજાતિ એટલી જ ખુમારી, એટલા જ ગર્વ અને એટલા જ સ્વમાન સાથે ઉન્નત મસ્તકે જીવી રહી છે. તેમણે દેશ અને ધર્મ માટે આપેલા ભોગ અને સ્વાર્પણનું મૂલ્ય એટલું વિશેષ છે કે તેમના ગુણોનું ગાન આજપર્યંત જનસમાજ કરે છે.

 રાજપૂતોના લોહીની પવિત્રતા

 
   મોગલ સલ્તનત દરમ્યાન યુદ્ધના મેદાનમાં બચી શકાય એમ ન હોય ત્યારે ભાગી છૂટેલા રાજપૂતોને સમાજે કાયર જાણી તેમનો બહિષ્કાર કર્યો.એટલે ન છૂટકે તેમને બીજો વ્યવસાય અપનાવવો પડ્યો અને તેઓ તે વ્યવસાયવાળી જાતિમાં ભળી ગયા. વળી નાની સરખી ભૂલને કારણે પણ કોઈ રાજપૂતનો સમાજ અસ્વીકાર કરતો, ત્યારે તે પવિત્ર રાજપૂત જાતિમાંથી બહાર નીકળી બીજી જાતિમાં ભળી જતો. કેટલાક સંજોગોમાં મુસ્લિમો રાજપૂતોને કે રાજઘરાનામાં યુવરાજ વગેરેને બંદી બનાવી લઈ જતા. ત્યાંથી છટકીને તેઓ પાછા આવતા ત્યારે સમાજ તેનો સ્વીકાર કરતો નહિ. જેથી તેને મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ફરજ પડતી. ઉપરોક્ત કારણોને લીધે અન્ય જાતિઓ કરતાં રાજપૂતોની સંખ્યા ઘટવા લાગી. છતાં રાષ્ટ્રની અખંડિતતા રાખવા રાજપૂતોએ મરણિયા જંગ ખેલ્યા છે અને લોહીની પવિત્રતા આજપ્રયંત જાવી રાખી છે.

 
લોહીની પવિત્રતા જાળવવા અનેક કષ્ટો સહન કરતા રાજપૂતો

 
   રાજપૂતોએ લોહીની પવિત્રતા જાળવી રાખવા પોતે ઘણાં કષ્ટો સહન કર્યાં છે પણ રાજપૂત જાતિને અપવિત્ર થવા દીધી નથી. તેના માટે એકાદ બે પ્રસંગો જોઈએ.

રાજસ્થાનના તરાવડી અને ખાનવામાં મહાભીષણ સંગ્રામ થયો. આ સંગ્રામમાં રાજપૂતોનો મોટો સમૂહ વીરગતિને પામ્યો. આ જોઈને હારી જવાની અણી પર આવેલા જૂજ રાજપૂતો રણસંગ્રામ છોડીને પોતાનો જીવ બચાવવા ભાગી છૂટ્યા. નામર્દ કહીને રાજપૂત સમાજે તેઓનો અસ્વીકાર કર્યો. જેથી તેઓએ લડાઈનો વ્યવસાય છોડીને બીજો વ્યવસાય કર્યો ને બીજી જાતિમાં ભળી ગયા.

   ઈ.સ.1457માં માંડીતા સુલતાન મહંમદ ખીલજીએ બુંદી પર આક્રમણ કર્યું. બુંદીના શાસક હાડા શાખાના રાજપૂત વેરીસાલજીના નાના પુત્ર શ્યામસિંહજીને મુસ્લિમો જીવતા પકડીને લઈ ગયા. લાગ જોઈને શ્યામસિંહજી કેદખાનામાંથી ભાગી છૂટ્યા અને બુંદી આવ્યા. રાજપૂત સમાજે તેમનો સ્વીકાર કર્યો નહિ,જેથી તેમને મુસલમાન બનવું પડ્યું. તેઓ બલાત મુસલમાન તરીકે ઓળખાયા. ઉપરોક્ત પ્રસંગોથી જણાય છે કે દગા, કપટ અને બળજબરીથી કેટલાય રાજપૂતો ધર્મભ્રષ્ટ થયા હતા. તેઓ પોતાના પરિવારના લોહીને અશુદ્ધ કરવા માગતા નહોતા, જેથી તેઓ પોતાના પરિવારથી અલગ મુસલમાન થઈને રહ્યા.

   મુસ્લિમો પવિત્ર હિન્દુઓને ધર્મભ્રષ્ટ કરી તેઓ સાથે વૈવાહિક સંબંધો બાંધવા માગતા હતાં પરંતુ રાજપૂતો એ માટે તૈયાર નહોતા. મુસ્લિમો વિચિત્ર પ્રકારના પેંતરા રચીને પણ રાજપૂતો સાથે લગ્નસંબંધો બાંધવા ઉત્સુક હતા. તેના પણ એકાદ પ્રસંગો જોઈએ.

   આમોરના કિલ્લાના રાજવી ભારમલને અકબરના સનેપતિ સફરૂદ્દીને હરાવીને કિલ્લો કબ્જે કર્યો. કિલ્લામાંથી માનબાઈ નામની દાસીને તે અપહરણ કરીને લઈ ગયો. અકબરની સામે તેને ભારમલજીની કુંવરી છે એમ કહી રજૂ કરી. તેની સાથે અકબરે લગ્ન કર્યું.

   વિપરીત સંજોગોમાં રાજપૂતોને નમતું જોખવામાં આવતું ત્યારે તેઓ કંઈક માર્ગ કાઢવા પ્રયત્ન કરતા. એવો એક પ્રસંગ રાજા માનસિંહજીની બહેન જોધાબાઈનો બન્યો. રાજા માનસિંહજીને અકબરને તાબે થવાનો વારો આવ્યો ત્યારે એક ખ્રિસ્તી છોકરીને જોધાબાઈ નામ આપી પોતાની બહેન છે એમ કહી અકબર સાથે લગ્ન કરાવવામાં આવ્યા. આ રીતે રાજા માનસિંહે એક રાજપૂત સન્નારીના લોહીને અપવિત્ર થતું અટકાવ્યું. જોધાબાઈ ખ્રિસ્તી છોકરી હોવાથી તેના મૃત્યુ બાદ આગ્રાની પાસે સિકાંદરા બાગમાં અકબરના મકબરા પાસે જ મર્થરીસ્ટ ઈસાઈ ચર્ચમાં તેની કબર બનાવવામાં આવી. મર્થરીસ્ટ ઈસાઈ ચર્ચની સંહિતામાં તેની કબર હતી એમ નોંધેલું છે. જેના પુરાવાનું આથી બીજું વિશેષ પ્રમાણ કયું હોઈ શકે? આમ રાજપૂતો પોતાના પવિત્ર રક્તને પવિત્ર રાખવા મથતા રહ્યા.

 
પવિત્રતાના સુમેરુ રાજપૂતો

   ભારત વર્ષના ઋષિપુત્રો એવા આર્ય રાજપૂતો મુસ્લિમો કરતાં કંઈક જુદી જ ભાત પાડે છે. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી વિશ્વ તેની ગૌરવગાથા ગાયા કરશે. પવિત્રતાના સુમેરુ એવા રાજપૂતોના કેટલાક પ્રસંગોથી જણાશે કે ભારત વર્ષની વૈદિક સંસ્કૃતિ કેટલી અચળ હતી અને વર્તમાનકાળે પણ છે.

   યુદ્ધના પ્રસંગે અમરસિંહજી દ્વારા ખાનખાનાની પુત્રીને ઉઠાવી લાવીને મહારાણા પ્રતાપસિંહજીના ચરણોમાં ધરવામાં આવી. તેનો સ્વીકાર કર્યા વિના તેને એક રાજકુંવરીને શોભે એવા માન મરતબા સાથે પ્રતાપસિંહજીએ તેના પિતા ખાનખાના પાસે મોકલી આપી. એવી જ રીતે સોનદેવે ‘કલ્યાણ’ના  સુબેદાર અહમદની પુત્રવધુને છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં ભેટરૂપે ધરી. શિવાજીએ તેની સામે જોયું પણ નહીં અને ભેટસોગાદો સાથે પૂરા રક્ષણ સાથે અહમદ પાસે મોકલી આપી.

   વળી ઔરંગઝેબની એક બેગમ રાઠોડ વીર દુર્ગાદાસ સાથે પરણવા માગતી હતી પણ દુર્ગાદાસે તેની દરખાસ્તને ફગાવી દીધી અને લોહી અપવિત્ર થવા દીધું નહીં. અકબરની પુત્રી સફુનિસ્સા દુર્ગાદાસના રક્ષણ હેઠળ અજીતસિંહ સાથે રહેતી હતી. તેની ઈચ્છા લગ્ન કરવાની હતી. આ વાત જાણ્યા પછી તને પણ માન મરતબા સાથે દિલ્હી પાછી મોકલી દેવામાં આવી. અલ્લાઉદ્દીન ખીલજીની પુત્રી કન્હાડદેવ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. તે પૂર્વ જન્મમાં કન્હાડદેવની પત્ની હતી એવું તેને પૂર્વજન્મનું જ્ઞાન હતું છતાં વિધર્મીને ત્યાં જન્મેલી હોવાથી તેની સાથે કન્હાડદેવ લગ્ન કરવા તૈયાર ન થયા. આ પ્રસંગો પરથી જણાશે કે પોતાની લોહીની પવિત્રતા જાળવવા સામે ચાલીને આવેલા પ્રલોભનોને રાજપૂત વીરોએ તરછોડી દીધાં હતાં. રાજપૂત વીરો અને રાજપૂત વીરંગનાઓના સહિયારા પ્રયાસથી અદ્યપિ રાજપૂતોએ પોતાના પવિત્ર લોહીને કાળો ડાઘ લાગવા દીધો નથી.

 
રાજપૂતોનાં લક્ષણો

 
   રાજપૂતો શૂરવીર, બળવાન, સાહસિક, રણમેદાનમાં કૂદી પડનારા, હથિયાર વગરના પર વાર નહીં કરનારા, પૂંઠનો ઘા નહીં કરનારા, દૂત દ્વારા ચેતવણી આપીને આક્રમણ કરવાના સ્વભાવવાળા, દુશ્મનો માટે યમરાજ જેવા છતાં તેઓ ધર્મપ્રિય, સંસ્કારી અને મીઠી વાણીથી આદર સત્કાર આપનારા હોય છે.

   રાજપૂતો કદી પણ અસત્યનો સ્વીકાર કરતા નથી તેમજ વિશ્વાસઘાત પણ કરતા નથી. અતિથિ બનીને આવેલા શત્રુને પણ તેના સર્વ અપરાધો માફ કરીને ક્ષમા આપે છે. વળી તેનો ઈષ્ટમિત્ર તરીકે આદર સત્કાર કરે છે. જ્યાં સુધી શત્રુ અતિથિ હોય ત્યાં સુધી તે મિત્રથી પણ અધિક પ્રિય હોય છે. એ મહાજનોની નીતિ છે.

   પોતાની પ્રાચિન પદ્ધતિ પ્રમાણે રાજપૂતો, અશ્વ, ખડગ અને ભાલાને પ્રાણથી પણ અધિક ગણે છે. તેઓ તેને ધર્મયુદ્ધની પ્રધાન સામગ્રી તરીકે ગણાવે છે. આજના આધુનિક યુગમાં વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને ચતુરાઈથી યુદ્ધ કરવાનાં સાધનો શોધી કાઢવામાં આવ્યાં છે તેના પ્રતિ બાહુબળ પર ભરોસો રાખનારા રાજપૂતો ધૃણાની દૃષ્ટિથી જુએ છે. યુદ્ધમાં તોપ વગેરે સાધનોથી બાહુબળનો લેશ પણ પરિચય થતો નથી. જેથી આ પ્રકારનાં અસ્ત્ર શસ્ત્રોથી જે વિજય પ્રાપ્ત થાય છે તેને રાજપૂતો ખરો વિજય માનતા નથી.

   રાજપૂત જાતિનો સ્વભાવ ગમે તેટલો ઉગ્ર હોય, છતાં તેનાં હૃદયમાં સદાને માટે રાજભક્તિ અને દેશહિતૈષિતા વિદ્યમાન હોય છે. રાજા તરફથી પોતાને મળેલા એક જમીનના ટૂકડાના બદલામાં કોઈ દુશ્મન તેમની જન્મભૂમિ પર આક્રમણ કરે તો તત્કાળ વીરમૂર્તિ ધારણ કરીને રાજાને સહાય કરતા. આવી કૃતજ્ઞતા કેવળ રાજપૂતોમાં જ જોવા મળે છે. મેવાડ અને મારવાડ ભૂમિના ઈતિહાસમાં અસીમ રાજભક્તિનું દર્શન થાય છે.

   સામાન્યતઃ રાજપૂતો દેખાવે દેખાવડા, આંખો મોટી, પહોળી અને મારકણી, લગભગ મુખાકૃતિ લંબગોળ,અવાજ બુલંદુ મોટો અને અસરકારક, મોટી મોટી મૂછોવાળા અને મૂછ ઉપર તાવ દઈને ખોંખારો ખાઈને વાત કરવાની ટેવવાળા હોય છે. યુવાન વયે પાતળા, ઊંચા, સુડોળ અને મજબૂત શરીરના બાંધાવાળા જોવામાં આવે છે.

 
રાજપૂતોના સ્વભાવ અને ગુણધર્મો

  વેદોમાં ક્ષત્રિયોના ગુણ, કર્મ અને સ્વભાવનું વર્ણન આપવામાં આવ્યું છે. ક્ષત્રિયો નિયમ પાલન કરનાર,યજ્ઞ સંપાદક, મહાતેજસ્વી, યજ્ઞોના સેવક, પ્રતિદિન સ્વયં અગ્નિમાં હોમ કરનારા, સત્યસેવક, નિષ્કારણ દ્રોહરહિત, વીરપુરૂષ, શત્રુસંહારક તથા સંગ્રામમાં યુદ્ધ કર્મોના સર્જનારા છે.

   અર્થાત્ ક્ષત્રિયે ન્યાયથી પ્રજાનું પાલન કરવું, સર્વથી પ્રજાનું પાલન કરવું, વિદ્યાધર્મની પ્રવૃત્તિ કરવી,સુપાત્રોની સેવામાં ધનનું ખર્ચ કરવું, અગ્નિહોત્રી યજ્ઞો કરવા અને કરાવવા શાસ્ત્રોનું અધ્યયન કરવું અને કરાવવું, જીતેન્દ્રીય રહીને શરીર અને આત્માને બળવાન બનાવવા.

   ગીતામાં પણ ક્ષત્રિયોના સ્વાભાવિક ક્ષાત્રકર્મો જણાવ્યાં છે. ગીતાજી કહે છે કે, ‘ક્ષત્રિય શૌર્ય, તેજ, ધૈર્ય તથા દક્ષતાવાળો હોવો જોઈએ. તેણે યુદ્ધમાં નાસીપાસ ન થવું, દાન આપવું, ઈશ્વરભક્તિ કરવી’ વગેરે ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે.

   રાજપૂતો સ્વભાવથી જ તેજસ્વી અને ઉદ્યમી હોય છે. તેમનું હૃદયમાત્ર એક જ ચોટથી વિદીર્ણ થઈ જાય છે. જ્યાં સુધી તેઓ પોતાને ચોટ લગાડનારને ચોટ મારતા નથી ત્યાં સુધી તેમનું હૃદય કોઈપણ પ્રકારે શાંત થતું નથી. તેમનો સ્વભાવ ક્ષુદ્ર ઝઘડાથી ઉગ્ર થઈ જાય છે અને તેઓ ક્ષુલ્લક કારણથી વેર લેવાની પ્રતિજ્ઞા કરી બેસે છે. તેઓ જ્યાં સુધી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરતા નથી ત્યાં સુધી તેમને શાંતિ થતી નથી. પરંતુ જ્યાં એક વખત પોતાની પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ પછી તેમની વૈરપિયાસા શાંત થઈ જાય છે અને તેઓ ગત વૈરભાવ ભૂલીને આગલા શત્રુના મિત્ર બની જાય છે.

   રાજપૂતોમાં જ્યારે વિવાહ થાય છે ત્યારે વરકન્યાનો હસ્તમેળાપ થતી વખતે ભટ્ટ લોકો ઉભયકુળની કીર્તિ ગાય છે. ભટ્ટ લોકોના મુખે પોતાના પૂર્વજોના ગૌરવની ગાથા સાંભળે છે ત્યારે પરમ આનંદિત થાય છે. રાજપૂતોમાં દીર્ઘકાળથી આ રીતિ પ્રચલિત છે અને જ્યાં સુધી તેમનામાં શોર્યની એક ચિનાગારી પણ શેષ રહેશે ત્યાં સુધી તેમની આ રીતિનો નાશ થનાર નથી.

   રાજપૂતો સ્વાભિમાની, દેશપ્રેમી, દેશદાઝવાળા, નિર્ભય, ધર્મના રક્ષણહાર, દાનેશ્વરી તથા બીજાને માટે પોતાનું અસ્તિત્વ મિટાવી દેનારા હોય છે. ગૌ-બ્રાહ્મણ-પ્રતિપાળનું બિરૂદ ધારણ કરનારા રાજપૂતોએ ગાયો,બ્રાહ્મણો અને સ્ત્રીઓ માટે પોતાનાં લીલુંડાં માથા કુરબાન કર્યા છે. મહારાણા પ્રતાપ તથા મહારાજા છત્રપતિ શિવાજી જેવા વીરપુરૂષોએ પોતાની નેક અને ટેક રાખવા વન-વન અને પહાડોની ઘાટીઓમાં પોતાના પરિવારો સાથે ભટક્યા છે. રાજપૂતો બળ, પરાક્રમ અને બહાદુરીથી સારાયે સમાજનું રક્ષણ કરતા આવ્યા છે. ક્ષત્રિયોમાં શૌર્ય, ધૈર્ય, તેજસ્વિતા, કાર્યદક્ષતા અને યુદ્ધમાંથી નહીં ભાગવાના સ્વભાવો સહજ જોવા મળે છે.
જય ભવાની

No comments:

Post a Comment